માંડવી : મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી
હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક ઉજવણી
કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા આહવાન
ગુરુપૂર્ણિમાએ ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર છે- ડો.મતાઉદ્દીન ચિશ્તી હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની કરાયેલી ઉજવણી
ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉજવણી કરવામાં આવી હતી, ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ,ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુપૂર્ણિમા, હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઇ ગઇ છે, પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે. જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા ગુરૂ જરૂરી છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જીવનને આદર્શ બનાવતો અવસર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે. જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવુ જોઈએ સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું.
