ભાવનગરમાં ચોરીની 10 મોટરસાઇકલ સાથે એક આરોપી ઝડપાયો
નિલમબાગ પોલીસે 3 ગુનાનો ભેદ ઉકેલી રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગરમાં નિલમબાગ પોલીસે વાહનચોરીના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોરીની 10 મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં ઘોઘા રોડ અને નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ રૂ. 2.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભાવનગર શહેરમાં મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન નિલમબાગ પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ મોટરસાઇકલ સાથે વાઘાવાડી રોડ પર પાણીની ટાંકી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી સંજયભાઇ મકોડભાઇ ઘેવરીયાને શંકાસ્પદ મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ ભાવનગરના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલી મોટરસાઇકલ કોબડી ગામ ખાતે પોતાના ઘરે રાખી હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે કુલ 10 ચોરીની મોટરસાઇકલ ઉપરાંત મોટરસાઇકલના એન્જિન, પેટ્રોલ ટાંકી, બેટરી, હેન્ડલ, સાઇલન્સર, ટાયરની રિંગ સહિતનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કુલ રૂ. 2 લાખ 47 હજાર 300નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ સાથે ઘોઘા રોડ પોલીસ મથકનો એક અને નિલમબાગ પોલીસ મથકના બે મળી કુલ ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. નિલમબાગ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી.
