ગુજરાત રાજ્યમાં 2,57,269 બાળકો કુપોષિત.

Featured Video Play Icon
Spread the love

ગુજરાત રાજ્યમાં 2,57,269 બાળકો કુપોષિત.
સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં આપી માહિતી.
કુપોષણમાં પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લા મોખરે.

સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો રાજ્ય સરકારનો દાવો છતાં લગભગ તમામ જિલ્લામાં હજારો બાળકો આજની તારીખે પણ કુપોષિત હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. રાજ્યમાં કુલ 2,57,269 બાળકો કુપોષણથી પીડાઇ રહ્યા છે. જેમાં સૌથી વધુ બાળકો જે જિલ્લાઓને કુપોષણથી બહાર લાવવા માટે ઝુંબેશ ચલાવાય છે તેવા આદિવાસી અને છેવાડાના પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, કચ્છ વિગેરેજિલ્લામાં છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ જિલ્લામાં જાન્યુઆરી 2026ની સ્થિતિએ કેટલા બાળકો ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા મળીને કુપોષણથી પીડાય છે તેની જાણકારી માગતા સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના લેખિત જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે કુપોષિત બાળકોની સંખ્યામાં લગભગ દરેક જિલ્લામાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ કુપોષણની ટકાવારી 39.7 ટકા જેટલી હતી તેમાં 28.3 ટકાના ઘટાડા સાથે 11.4 ટકા બાળકો કુપોષિત છે. બાળકોના જન્મ પહેલા અને પછી કુલ એક હજાર દિવસ સુપોષિત આહાર અપાય છે તેમજ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટીફાઇડ સુપોષિત આહાર અપાય છે. સરકાર દ્વારા સગર્ભા બહેનોથી લઇને બાળકોને સુપોષિત કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે અનેક યોજનાઓ ચાલી રહી છે. વિપક્ષના સભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં અવારનવાર રાજ્યમાં કુપોષિત બાળકો હોવા મુદ્દે સરકારની ટીકા કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે કુપોષણના કારણે ગુજરાતની વિપરીત છબી સર્જાતી હોવાનો દાવો કરાય છે.

જો કે વિભાગ દ્વારા જિલ્લાઓમાં કુપોષિત બાળકોને લગતી જે માહિતી આપવામાં આવી છે તેમાં મોટાપાયે બાળકો હજુ પણ કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આંકડા પ્રમાણે સૌથી વધુ કુપોષિત બાળકો પંચમહાલ જિલ્લામાં 20,762 અને સૌથી ઓછા કુપોષણથી પીડાતા બાળકો પોરબંદરમાં 666 જેટલા છે. 2,11,635 બાળકો ઓછા વજનવાળા અને 45,364 બાળકો અતિ ઓછા વજનવાળા છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા એકંદરે સમૃધ્ધ ગણાતા જિલ્લાઓમાં પણ છ હજારથી વધુ બાળકો કુપોષણથી પીડાય છે. અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકામાં સૌથી વધુ 896, વિરમગામમાં 730, દસ્ક્રોઇમાં 680, સાણંદમાં 655 અને ધોળકામાં 621 જેટલા બાળકો કુપોષિત છે. આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા વિગેરેમાં કુપોષણનું મોટુ પ્રમાણ હજુ પણ ચિંતાજનક છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *