બનાસકાંઠા પાલનપુરના 20 યુવકો દુબઈમાં ફસાયા.
ઈરાન-ઇઝરાયલ યદ્ધથી પરિવારમાં ચિંતા.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી રોજગાર માટે દુબઈ ગયેલા આશરે 20 જેટલા યુવકોને લઈને તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. યુદ્ધના સમાચારને કારણે માતા-પિતા સતત ભયભીત બની રહ્યા છે અને દર કલાકે વીડિયો કોલ દ્વારા પોતાના સંતાનોનો હાલચાલ પૂછે છે
બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી રોજગાર માટે દુબઈ ગયેલા આશરે 20 જેટલા યુવકોનું કહેવું છે કે હાલ દુબઈમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને તેઓ સુરક્ષિત છે. ત્યાં દૈનિક જીવન સામાન્ય રીતે ચાલુ છે અને કોઈ ખાસ ગભરાટ જેવી સ્થિતિ નથી. તેમ છતાં, ભારતમાંથી ટીવી પર આવતા યુદ્ધ સંબંધિત સમાચાર પરિવારજનોને વ્યથિત કરી રહ્યા છે.
પરિવારજનો જણાવે છે કે, “બાળકો સુરક્ષિત હોવાની વાત કરે છે, છતાં સમાચાર જોઈને મનમાં ભય ઊભો થાય છે.” ઘણા માતા-પિતા દિવસભર ન્યૂઝ ચેનલો સામે બેસી રહે છે અને સંતાનો સાથે વારંવાર વાત કરીને જ શાંતિ અનુભવે છે. સ્થાનિક સ્તરે પણ લોકો એકબીજાને સાંત્વના આપી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થશે. હાલમાં યુવકો સુરક્ષિત હોવાના સંદેશાથી પરિવારોને થોડી રાહત મળી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
