સુરતમાં ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026
યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું.
અંદાજે 1000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનોએ ભાગ લીધો
યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’એ એક દિવસ માટે સુરતને યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું.
ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ‘ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી’ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત આયોજન હેઠળ 31 જાન્યુઆરીએ સરસાણા સ્થિત SIECC કેમ્પસના પ્લેટિનમ હોલમાં ભવ્ય કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનોએ ભાગ લીધો હતો. કોન્ક્લેવની થીમ “Voices of Tomorrow: Youth, Industry & the Power of Critical Thinking” રહી હતી. ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું હતું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનું નહીં, પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોના કી-નોટ સેશન, નેશનલ લેવલ યુથ ડિબેટ એરિના, ઇન્ટરએક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન્સના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યાવહારિક અનુભવ મળ્યો.
આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર, ડો. મનોજ કુમાર અને કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સાથે જ દેશ-વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર્સે સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નેશનલ લેવલ ડિબેટર્સે તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની-મોટી બારીકીઓ પણ શેર કરી હતી. SGCCI ના ખજાનચી સીએ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્ક્લેવ માત્ર સંવાદનું મંચ નહીં, પરંતુ લીડરશિપ ડેવલપમેન્ટ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યૂરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયો છે.
