પાટણ ચાણસ્મામાં લુખ્ખાઓનો આતંક.
ગેંગવોરથી ચાણસ્માના ઝીલિયાની શાંતિ ડહોળાઈ.
લુખ્ખાઓએ પોલીસ વાન પર હુમલો કરતા 112 સ્થળેથી ભાગી.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઈ છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે. કે ગત 15 માર્ચ, 2026 ના રોજ રાત્રિના આશરે 11:45 વાગ્યે જ્યારે ફરિયાદી મહેસાણા હતા, ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી. માણસે જણાવ્યું કે કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ 112 પોલીસ વાનને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસની હાજરી છતાં હુમલાખોરો તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા. તેના આધારે પોલીસે ફરિયાદ નોંધતા 3 શખસ અને એક ગાડીને ડિટેઈન કરી છે. મંદિરના ફાળા ઉઘરાવવા મુદ્દે મનદુઃખના કારણે આખો બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે. રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2026ના રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે તેમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક ઈસમો હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112 ની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ અને દીવાલ પરની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાનો કાચની ફ્રેમવાળો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે, આશરે 8 જેટલી ગાડીઓમાં 15 થી 20 જેટલા ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા. આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી હતી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. CCTV ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળો ખોટી રીતે બદનામ કરતો હોવાથી રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
