સુરત રાંદેર રોડ જહાંગીરાબાદ પાસે અસામાજિક તત્વોનો આતંક
રમા રેસિડેન્સીના ગેટ પાસે બે ભાઈઓ પર જીવલેણ હુમલો
બાળ કિશોર સહિત ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે રાંદેર રોડ જહાંગીરાબાદ પાસે રમા રેસિડેન્સીના ગેટ પાસે બે ભાઈઓ પર મોપેડ પર આવેલા હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી બાળ કિશોર સહિત ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતાં.
સુરતના રાંદેર વિસ્તારમાં જહાંગીરાબાદ પાસે આવેલી રામા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને ફોઈનો દીકરો સમર્થ ઉભા હતા. આ દરમિયાન એક શખ્સ મોપેડ પર ત્યાંથી પસાર થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે સામે જોવા જેવી બાબતે યશ સાથે તેની બોલાચાલી થઈ હતી. હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો હતો. થોડી જ વારમાં તે પોતાના સાગરીતો સાથે મોપેડ પરત ફર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. બોલાચાલીના થોડા સમય બાદ, હુમલાખોર અન્ય 5 શખસેને બે મોપેડ પર લઈને ધસી આવ્યો હતો. આ ટોળકી પાસે ચપ્પુ, લાકડાના ધોક્કા અને બેલ્ટ સહિતની વસ્તુઓ હતી. તેમણે આવતાની સાથે જ સમર્થ પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મોહિત અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કરી દીધો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હોય જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ પર આવેલા શખ્સો કઈ રીતે બેફામ બનીને ફરિયાદી અને તેના ભાઈઓને માર મારી રહ્યા છે. લગભગ એક મિનિટ સુધી રોડ પર આ આતંક મચાવાયો હતો. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાય છે. જ્યારે અન્ય કેટલાક શખ્સો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાનું પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર રસ્તો ક્રોસ કરતી વખતે સામે કેમ જુઓ છે તેવી સામાન્ય બોલાચાલી જ આ હુમલાનું કારણ બની હતી. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને, હથિયારો એકઠા કરી માત્ર પોતાની ધાક જમાવવા માટે યુવાનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે આ બબાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હુમલામાં સામેલ ત્રણ શખસ ઉગત કેનાલ રોડ પાસે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ અને સાહીલ પવારની ધરપકડ કરી છે. જ્યારે તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. તો પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ કરી જેમાં અન્ય સાગરીતોના નામ પણ ખુલ્યા છે. હાલ આ કેસમાં ફેનીલ પટેલ, રાજ સીંઘે અને નકુલ પટેલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
