સુરત રાજકોટ, અમદાવાદ, વડોદરામાંથી રૂ17 લાખની ડુપ્લીકેટ દવાઓ ઝડપાઈ
સ્પુરીયસ દવા વેચતાં ઈસમોના ઘરે તથા મેડિકલ એજન્સીઓ પર દરોડા
20 દવાઓનાં સેમ્પલ લઈ લેબોરેટરી ચકાસણી માટે મોકલી દેવાયા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઈસમોના ઘરે તથા મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડ્યા હતા જેમાં અંદાજે 17 લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરાઈ હતી.
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 17 લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.
