સુરત શહેરમાં વધી રહેલી ગરમી
હવે રસ્તા પર ડામર પીગળી રહ્યું છે
વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો
સુરત શહેરમાં વધી રહેલી ગરમીને લઈ હવે રસ્તા પર ડામર પીગળી રહ્યું હોય લોકોના વાહનોના ટાયર ડામરમાં ચીપકી રહ્યા છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત શહેરમાં ગરમીનો પારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. શહેરમાં તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમી એટલી વધી ગઈ છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ડામરના રોડ પણ પીગળવા લાગ્યા છે. રોડ પીગળતા વાહનોના ટાયર ડામરમાં ચીપકાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ રાહદારીઓ પણ પરેશાન બન્યા છે. રોડ પર ચાલતા લોકોના ચપ્પલ અને જોડા પણ ડામરમાં ચીપકાઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ રોડનું નિર્માણ માત્ર બે મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આટલી ઝડપથી ડામર ઓગળવા લાગતારોડની ગુણવત્તા પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. ગરમીના કારણે શહેરમાં લોકો બહાર નીકળતા પહેલા પણ બે વાર વિચારતા થયા છે. હાલ સુરત શહેરમાં દિનપ્રતિદિન તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે અને લોકો આ અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
