આણંદ આંકલાવના ઉમેટામાં ફાર્મહાઉસ પર પોલીસનો દરોડો.
માનપુરા રોડ પર ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ.
3 મહિલાઓ સહિત 18 માલેતુજારોની કરાઈ અટકાયત.
આંકલાવ પોલીસે ઉમેટા ગામના એક ફાર્મહાઉસમાં દારૂ પાર્ટી પર દરોડો પાડી 15 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે ઉમેટા-ફતેપુરા રોડ પર આવેલા પરિક્ષિત પ્રવિણભાઈ મીસ્ત્રીના ફાર્મહાઉસમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ ચાલી રહી છે. આ માહિતીના આધારે, આંકલાવ પોલીસની ટીમે શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ફાર્મહાઉસની મઢુલીમાં ટેબલ-ખુરશી ગોઠવીને કેફી પીણું પી રહેલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓ વડોદરાના પોશ વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં પાર્ટીના આયોજક ધર્મેશભાઈ પ્રવિણભાઈ મીસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. મહિલાઓમાં જાનકી નૈનેશકુમાર બ્રહ્મભટ્ટ (માંજલપુર), પાયલ મનીષભાઈ શાહ (માંજલપુર) અને નમીતાબેન જીંકલ ગાંધી (વાઘોડીયા રોડ) નો સમાવેશ થાય છે. પોલીસે હાલ દારૂનો જથ્થો પૂરો પાડનાર અને ફાર્મહાઉસના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાસ્થળેથી પોલીસે 8,500ની કિંમતના બુડવાઈઝર મેગ્નમ બીયરના 17 સીલબંધ અને 21 ખાલી ટીન જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી 8.70 લાખની કિંમતના 22 અત્યાધુનિક મોબાઈલ ફોન તથા 96 લાખની કિંમતની 8 લક્ઝરીયસ કાર જેમ કે ઓડી, મહિન્દ્રા ૭XO, હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા કેરેન્સ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કુલ 1,04,78,500નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
