તાપી સોનગઢએપીએમસીમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો,
ખાતર સાથે વધારાની વસ્તુઓ પધરાવાતી હોવાનો આક્ષેપ.
5 યુરિયાની થેલી સાથે 2 સેરફેટ લેવાની ફરજ પડતા ખેડૂતોમાં રોષ.
વહેલી સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઉભેલા ખેડૂતો પરેશાન
પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર સામે સવાલો.
ગુજરાતના ખેડૂતો ફરી એકવાર ખાતરની અછત અને સહકારી મંડળીઓની મનમાનીનો ભોગ બની રહ્યા છે. તાપી જિલ્લાના સોનગઢ એપીએમસી માર્કેટ સ્થિત પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારના 4 વાગ્યાથી કતારોમાં ઉભા છે. પરંતુ અહીં ખાતરની સાથે ખેડૂતોને વધારાનું ‘સેરફેટ’ લેવાની ફરજ પાડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દ્રશ્યોમાં દેખાઈ રહેલી આ લાંબી કતારો કોઈ ઉત્સવની નથી, પરંતુ પોતાના ખેતર માટે ખાતર મેળવવા મથતા જગતના તાતની છે. તાપીના સોનગઢ APMC માર્કેટમાં આવેલી ખાતરની દુકાને વહેલી સવારથી જ ખેડૂતો ઉમટી પડ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પહેલા 4 યુરિયાની થેલી દીઠ 1 સેરફેટ આપવામાં આવતું હતું, પરંતુ હવે મનસ્વી રીતે 5 યુરિયાની થેલી પર 2 સેરફેટ લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કે ખેડૂતો કહે છે કે અમે સવારના 4-5 વાગ્યાથી ભૂખ્યા-તરસ્યા લાઇનમાં ઉભા છીએ. એક સેરફેટની કિંમત 550 રૂપિયા છે. હવે જો અમારે 2 સેરફેટ લેવા પડે તો સીધો 1100 રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે. સામાન્ય ખેડૂત આટલા રૂપિયા ક્યાંથી લાવે ?
ખાતર લેવા આવ્યા છીએ કે આ મોંઘા ડાટ સેરફેટ ?
સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર જ ખેડૂતોને બિનજરૂરી વસ્તુઓ પધરાવી આર્થિક રીતે પાયમાલ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને મજૂરી વચ્ચે હવે ખાતર સાથે આ વધારાની વસ્તુઓનો બોજ સામાન્ય ખેડૂત કેવી રીતે સહન કરશે તે એક મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે કોઈ તપાસ કરે છે કે પછી ખેડૂતોએ આમ જ મોંઘા ભાવની વસ્તુઓ ખરીદવા મજબૂર થવું પડશે…..
