સુરતમાં ગરમી વધતા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરાયું
ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું.
હાલ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઉતરાણ પોલીસ, ટ્રાફિક પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણી પીવા માટેના કુંડાનું વિતરણ અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં વધતી તાપમાનની અસર માત્ર માનવજીવન જ નહીં, પણ અબોલ પશુ પક્ષીઓ પર પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેરણાદાયક અને માનવતાપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉતરાણ પોલીસ, ટ્રાફિક પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણી પીવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ચકલીઓ માટેના માળાનું પણ વિતરણ કરાયું હતું, જેથી પંખીઓ આ તાપમાનમાં સુરક્ષિત રહી શકે. આ કામગીરી માત્ર પોલીસ દળની જ નહીં, પરંતુ જન સામાન્યની પણ સહભાગીતા સાથે સંભવ બની હતી. લોકોને કુંડા અને માળા લગાવવાની સમજ આપી ને પક્ષીઓ માટે છાંયડો અને પાણી જેવી પાયાની સુવિધા પૂરી પાડવા અપીલ કરાઈ હતી.
————-
