મસાડમાં આદિવાસી પરિવારને માર મારવાની ઘટના
13 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામે પ્રેમ પ્રકરણના વેરઝેરમાં આદિવાસી પરિવારના સભ્યોને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે.
કાયદો હાથમાં લેનારા તત્વો સામે લાલ આંખ કરતા પોલીસે ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલ ભેગા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ, ગામના એક યુવક અને યુવતીના ભાગી જવાના મામલે ઉશ્કેરાયેલા ટોળાએ યુવકના નિર્દોષ માતા, ભાઈ અને બહેનને જાહેરમાં ફટકાર્યા હતા. આ મામલે બારડોલી ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ફરિયાદમાં દર્શાવેલા મુખ્ય 13 આરોપીઓની અટકાયત કરી હતી.
ગુરુવારે સાંજે આ તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે મામલાની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. પોલીસે આ કેસમાં એટ્રોસિટી એક્ટ અને રાયોટિંગ જેવી કડક કલમો લગાવી હતી…
