ગીર સોમનાથના ઉનામાં નિષ્ઠુર માતાએ મૃત નવજાતને તરછોડ્યું

Featured Video Play Icon
Spread the love

ગીર સોમનાથના ઉનામાં નિષ્ઠુર માતાએ મૃત નવજાતને તરછોડ્યું
અવાવરુ જગ્યાએ માતા નવજાતને ફેંકી રવાના થઈ.
મૃત નવજાતને તરછોડ્યાની ઘટના સીસીટીવીમાં કેદ.
નવજાતને તરછોડ્યા બાદ મહિલા હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી.

 

ગીર સોમનાથના ઉના શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં રાજુલા નિવાસી શાંતિબેન દિનેશભાઈ સોલંકીએ પોતાની સગી પુત્રી સાથે મળીને એક નવજાત શિશુને તરછોડી દીધું છે.આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી છે અને અનેક સવાલો ઉભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શાંતિબેન તારીખ 14 જુલાઈના રોજ તેમના પતિ સાથે ઝઘડો કર્યા બાદ તેમના ભાઈના ઘરે કોડીનાર તાલુકાના પ્રાચી ગામે ગયા હતા. તારીખ 15 જુલાઈના રોજ તેઓ તેમની ત્રણ પુત્રીઓ સાથે કોડીનાર ગયા અને ત્યાંથી મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ ખરીદી હતી. ત્યારબાદ તેઓ ઉના આવ્યા અને બસ સ્ટેન્ડ પાસે રોકાયા હતા. મધરાત્રિના સુમારે શાંતિબેનને પ્રસૂતિની પીડા શરૂ થતાં, તેઓ બસ સ્ટેન્ડ સામેની ગલીમાં ગયા. ત્યાં તેમને અધૂરા માસે પ્રસૂતિ થઈ ગઈ હતી. આઘાતજનક બાબત એ છે કે, પ્રસૂતિ બાદ શાંતિબેને તેમની પુત્રીની મદદથી નવજાત શિશુને પ્લાસ્ટિક બેગમાં મૂક્યું, કપડામાં વીંટાળ્યું અને ઉનાની એક ખાનગી હોસ્પિટલ નજીક ફેંકી દીધું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નવજાત શિશુને રાત્રે 3:28 વાગ્યે તરછોડવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં રાત્રિના સમયે શ્વાન અને ભૂંડની ભારે અવરજવર રહેતી હોય છે. આથી, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રખડતા શ્વાન કે ભૂંડ નવજાત શિશુને ફાડી ગયા હોઈ શકે છે, જે અત્યંત કમકમાટીભર્યું અનુમાન છે.

આ કૃત્ય બાદ, બ્લીડિંગ થવાના કારણે શાંતિબેનને ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન તેમની સચ્ચાઈ બહાર આવી હતી. હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે નવજાત શિશુની શોધખોળ શરૂ કરી હતી. જોકે, ઘટના સ્થળેથી માત્ર કપડાં અને પેડ જ મળી આવ્યા હતા, શિશુનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તબીબોના મતે, શાંતિબેનને છ માસનો ગર્ભ હતો અને આવી સ્થિતિમાં જન્મેલું નવજાત શિશુ જીવિત પણ હોઈ શકે છે. હાલ, ઉના પોલીસ અને આરોગ્ય વિભાગ આ મામલે સઘન તપાસ કરી રહ્યા છે. શાંતિબેન અને તેમની પુત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *