સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી
માનસિક ત્રાસથી કંટાળીને હીરા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું
બે વ્યાજખોરને ઝડપી વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન

સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને મોટા વરાછાના હીરા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ઉત્રાણ પોલીસે ત્રણ વ્યાજખોર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે વ્યાજખોરને ઝડપી બંનેને મૃતક હીરા વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં બ્લુબેલ રેસિડેન્સીમાં રહેતા અને મિની બજારમાં હીરાનો વ્યવસાય કરતા મિતેષભાઈ મિયાણીના ભાઈ સંદીપભાઈએ ગત 11મી માર્ચના રોજ ગોપીનગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવાર જ્યારે શોકમાં હતો ત્યારે 16મી માર્ચના રોજ સંદીપભાઈની પત્ની અસ્મીતાબેનને તેમના મોબાઈલમાંથી એક વીડિયો મળી આવ્યો હતો. વીડિયોમાં સંદીપભાઈએ ધુસકે-ધુસકે રડતાં જણાવ્યું હતું કે, હું જાવ છું, તારો ભાઈ તને છોડીને જાય છે, હવે મમ્મી-પપ્પા બધાને છેલ્લા સીતારામ, અસ્મીતા આઈ લવ યુ, છોકરાને સંભાળજે. હીરૂ, દક્ષુ અને દીશુને. તને બહુ યાદ કરૂ છું. તારા વગર રહેવું નથીં પણ મારે જવું પડે એમ એમ છે, આપડી ગાડી બુધા પાસે છે તે લઈ લેજે, ઘરેણું મારામાં વિશાલ એટલે કે ફોનમાં તેનો નંબર છે તેની પાસે છે ગામનો અને હું જેને કહું તેને સજા મળવી જોઈએ, એક તુષાર હસ્તક ડેનીશ સુરતી, બીજો રંઘોળા ગામનો સહદેવે જે અનિરૂધ્ધ હસ્તક છે અને ત્રીજો તુષાર હસ્તક સંજય ઉર્ફે વિજય ભરવાડ છે. આ બધાએ બહુ તંગ કર્યો છે, આઈ લવ યુ મીતેશ તું બધું સંભાળી લેજે. આ વીડિયો અંગે પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સંદીપભાઈએ સહદેવ પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં તે રોજના 1,000 વ્યાજ વસૂલતો હતો. જ્યારે ડેનીશ પાસેથી લીધેલા 60,000ની સામે 62,000 ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ રહી હતી. મિતેષભાઈ મિયાણીની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે સહદેવ ધીરૂભાઈ ઢીલા, ડેનીશ ઉર્ફે જાડિયો રમેશભાઈ સુરતી અને સંજય ઉર્ફે વિજયભાઈ ભરવાડ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જે પૈકી સહદેવ ધીરૂ ઢીલા અને ડેનીસ સુરતીની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *