સાવરકુંડલામાં છેલ્લા 6 મહિનાથી ખોદાયેલા રસ્તાઓ
ખોદાયેલા રસ્તાઓને કારણે જનતામાં ભારે રોષ
3 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વિકાસના નામે ચારેકોર મુખ્ય અને આંતરિક માર્ગો ખોદી નાખવામાં આવતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવાના નામે રસ્તાઓ ત્રણ ફૂટ જેટલા ઊંડા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ કામ હજુ સુધી પૂર્ણ ન થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે શહેરના રસ્તાઓ જોખમી બન્યા છે. સાવરકુંડલામાં મહુવા રોડ પર જનતા બાગ પાસે રોડ નાનો બની ગયો છે, જ્યાં આગળ ન ચાલવા અંગે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં જ્યાં ત્રણ-ત્રણ ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે ત્યાં કોઈ સાઇન બોર્ડ નથી. આ કારણે અજાણ્યા રાહદારીઓ સીધા ખાડામાં ઉતરી જાય છે અને ઇજાઓના બનાવો સામે આવી રહ્યા છે. અહીં કાપેલ ધાર વિસ્તાર, હાથસણી રોડ પર કોઈ સાઈન બોર્ડ જ નથી.
સાવરકુંડલામાં અનેક જગ્યાએ ખોદાયેલા રસ્તાઓ પર કોઇપણ પ્રકારના ચેતવણી સૂચક સાઇન બોર્ડ કે બેરિકેડ્સ મુકવામાં આવ્યા નથી. પરિણામે ખાસ કરીને રાત્રિના સમયે નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નવા રોડ બનાવવા માટે રસ્તાઓ તો ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ સમયસર રોડનું કામ પૂર્ણ ન થતા જનતા ભારે પરેશાનીમાં મુકાઇ છે. ચોંકાવનારી બાબત એ છે કે સાવરકુંડલા નગરપાલિકા કચેરી સામે જ ત્રણ ફૂટ ઊંડા ખાડા સાથે રોડ બનાવવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. આ રસ્તો હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તરફ જતો વ્યસ્ત માર્ગ હોવા છતાં અહીં પણ કોઈ ચેતવણી સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા નથી. વ્યસ્ત ટ્રાફિક વચ્ચે આવી બેદરકારી ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
