સુરતમાં હીરા ઉદ્યોગને મળી વૈશ્વિક ઓળખ
સુરતના હીરાને મળ્યો સત્તાવાર GI Tag
હીરાને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી
ગુજરાતના હીરા ઉદ્યોગ માટે 13 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સુરત અને સમગ્ર ગુજરાતમાં તૈયાર થતા હીરાને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી છે.
સુરત ડાયમંડ એસોસિએશનના લાંબા સમયના પ્રયત્નો અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના સહયોગથી ગુજરાતમાં તૈયાર થતા હીરાને ‘સુરત કટ ડાયમંડ’ નામે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતે EDII દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારત સરકારના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ પ્રો. ડો. ઉન્નત પંડિત અને EDII ના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાના હસ્તે આ ઐતિહાસિક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટએ આ સન્માન સ્વીકાર્યું હતું
GI એટલે કે ‘જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન’. આ ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ બને છે અને તેની ગુણવત્તા તે વિસ્તારની વિશેષતા હોય છે. જેમ પાટણના પટોળા અને જામનગરની બાંધણી પ્રખ્યાત છે, તેમ હવે ‘સુરત કટ’ હીરાની વિશ્વસનીયતાનું પ્રતીક બનશે. સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પોલિશ થતા હીરાની ચમક અને કટિંગ શૈલી વિશ્વમાં અજોડ છે, જેને હવે કાનૂની મહોર મળી ગઈ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
