બારડોલીમાં છીત્રા ચેકડેમ વિવાદ
ચેકડેમને તોડવાના પ્રયાસ બાદ સર્જાયેલા વિવાદ
આવેદનપત્ર બાદ તંત્ર દોડતું થતા તપાસ કરી પંચનામું કર્યું
બારડોલીમાં છીત્રા ગામે પૂર્ણા નદી પરના ચેકડેમને તોડવાના પ્રયાસ બાદ સર્જાયેલા વિવાદમાં હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
સોમવારે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યાના ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા સ્થળ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને પગલે સર્કલ ઓફિસરે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાંત અધિકારીના નિર્દેશ બાદ મહેસૂલ વિભાગના સર્કલ ઓફિસરે છીત્રા ચેકડેમની મુલાકાત લઈ નુકસાનનું આકલન કર્યું હતું. ડ્રિલ મશીન દ્વારા ચેકડેમના ઉપરના ભાગે અને સાઈડમાં જે તોડફોડ કરવાનો પ્રયાસ થયો હતો, તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતો અને સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર પંચનામું કરી એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો નોંધવામાં આવી છે. હાલ પુરતું બ્રિજ બનાવતી એજન્સીને ચેકડેમની આસપાસ કોઈપણ પ્રકારનું ખોદકામ કે તોડફોડ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, ભલે એજન્સીએ મશીનરી હટાવી લીધી હોય, પરંતુ ખેડૂતોમાં હજુ પણ ફાળ છે કે જો ચેકડેમને નુકસાન થશે તો શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફળ જશે. સ્થાનિક ખેડૂત આગેવાનોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, તેઓ માત્ર કામગીરી બંધ રાખવાથી સંતુષ્ટ નથી, જે એજન્સીએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો કર્યો છે, તેમની સામે કાયદેસરની FIR નોંધાવવી જોઈએ. હવે સર્કલ ઓફિસર પોતાનો અહેવાલ બારડોલી પ્રાંત અધિકારી અને કલેક્ટરને સુપરત કરશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ભલે મૌખિક સૂચનાની વાત કરતા હોય, પરંતુ લેખિત મંજૂરી વગર થયેલી આ કામગીરી બદલ કોન્ટ્રાક્ટર એજન્સી પર દંડનીય કાર્યવાહી કરવા અથવા બ્લેકલિસ્ટ કરવાની માંગણી પણ જોર પકડી રહી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો છીત્રા અને કુરેલ ગામના ગ્રામજનોએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે…
