મહીસાગર વીરપુરમાં આંગણવાડીની મહિલાઓનો હલ્લાબોલ
300થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ કર્યો વિરોધ
સરકાર પાસે વેતન વધારો, પેન્શન, મોબાઇલ સુવિધા સહિતની માંગ
તારીખ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિરપુર ખાતે 300થી વધુ આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણીઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન. સરકાર પાસે વેતન વધારો, પેન્શન, મોબાઇલ સુવિધા સહિતની માંગ કરી છે
આજે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહીસાગર જિલ્લાની આંગણવાડી બહેનોનો વિરપુર ખાતે હોબાળો જોવા મળી રહ્યો છે. આંગણવાડી કર્મચારી સંગઠનની અંદાજીત 300થી વધુ આ કર્મચારી બહેનોએ આજે વીરપુર ખાતે એક થઈ છેલ્લા કેટલાય સમયથી પડતર વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર પાસે આ માંગણી વહેલી તકે સંતોષવાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી આ આંગણવાડી બહેનોનું કહેવું છે કે, છેલ્લા અનેક વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓના અમલ સહિત અનેક અત્યંત મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં કરાવવામાં આવી રહ્યા છે. વર્ષોથી આ તમામ ભારે કામના બોજ સાથે કરી રહી હોવા છતાં તેમનું વેતન આજના મોંઘવારીના પ્રમાણમાં અત્યંત અપૂરતું છે.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહીસાગર જિલ્લાની આંગણવાડી બહેનો વીરપુરના ઝરમર વિસ્તારમાં સરકાર પાસે પડતર વિવિધ માંગણીઓને લઇ એકઠી થઈ હતી, મહીસાગર જિલ્લાની અંદાજે 300થી પણ વધુ આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. આ બહેનોનો આરોપ છે કે, સરકાર દ્વારા તેમને આપવામાં આવતા વળતર કરતા કામગીરીનું ભારણ અનેકગણું વધારે છે. તે બાબતે તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓ સંતોષવા સરકાર પાસે માંગ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
