બારડોલીના ભામૈયા ગામ બંધ ઘરમાં થતી મોટી ચોરી ટળી
અમેરિકામાં બેઠેલા ઉષાબેન પટેલએ સીસીટીવીથી ચોરી અટકાવી
એનઆરઆઈ પરિવારો માટે સીસીટીવી ‘વરદાન’
બારડોલીના ભામૈયા ગામના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા એનઆરઆઈ મહિલાની સતર્કતાને કારણે તેમના વતનના બંધ ઘરમાં થતી મોટી ચોરી ટળી ગઈ છે. જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે અમેરિકામાં બેઠેલા ઉષાબેન પટેલ પોતાના મોબાઈલ પર વતનના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા હતા.
આ દરમિયાન તેમને પોતાના ઘર પાસે તસ્કરોની હિલચાલ દેખાઈ હતી. તેમણે તુરંત જ ગામમાં ફોન કરીને જાણ કરી, જેના કારણે તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ કિસ્સો સાબિત કરે છે કે ટેકનોલોજી હવે માત્ર સુવિધા જ નહીં પણ રક્ષક પણ બની છે. ખાસ કરીને એનઆરઆઈ પરિવારો માટે સીસીટીવી ‘વરદાન’ સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે જ્યારે વતનમાં રાત્રિ હોય છે ત્યારે અમેરિકામાં દિવસ હોવાથી તેઓ સરળતાથી દેખરેખ રાખી શકે છે.નવાઈની વાત એ છે કે હજારો કિમી દૂર બેઠેલી મહિલાને ચોરીની જાણ થઈ ગઈ, પરંતુ માત્ર ૫ કિમી દૂર આવેલી પોલીસ ચોકી આ ઘટનાથી અજાણ હતી, જેને લઈને સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે રોષ પણ જોવા મળ્યો હતો.
