અમરેલી ધારીના માણાવાવમાં સિંહણ પાંજરે પુરાઈ

Featured Video Play Icon
Spread the love

અમરેલી ધારીના માણાવાવમાં સિંહણ પાંજરે પુરાઈ
5 વર્ષના બાળક પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
સિંહણના હુમલામાં 5 વર્ષીય ધવલનું થયું હતું મોત

ગીરના પ્રવેશદ્વાર ગણાતા અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં વન્યપ્રાણી અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાં એક પરપ્રાંતીય શ્રમજીવી પરિવારના 5 વર્ષના માસૂમ બાળક પર સિંહણે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. જોકે, ઘટનાની ગંભીરતા જોઈ વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવી હુમલાખોર સિંહણને કેદ કરી લીધી છે

મળતી માહિતી મુજબ માણાવાવ ગામની એક વાડીમાં મજૂરીકામ કરતા ઈશ્વરભાઈ કટારાનો 5 વર્ષનો પુત્ર ધવલ તેની માતા સાથે બેસીને વાડીમાં જમી રહ્યો હતો. આ સમયે અચાનક એક ભૂખી સિંહણે ત્યાં તરાપ મારી હતી. માતા કંઈ સમજે તે પહેલા જ સિંહણ માસૂમ ધવલને ગળાના ભાગેથી પકડીને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી. આ ભયાનક હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે 5 વર્ષના ધવલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો હતો.

બનાવની જાણ થતાં જ સરસિયા રેન્જના RFO મિનેષ પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. વન વિભાગે વાડીની ચારેય તરફ વ્યૂહાત્મક રીતે પાંજરા ગોઠવ્યા હતા. વનકર્મીઓની સતર્કતા અને ચોકસાઈપૂર્વકની કામગીરીને કારણે ગણતરીની કલાકોમાં જ હુમલાખોર સિંહણ પાંજરામાં કેદ થઈ ગઈ હતી. હાલ આ સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેના વ્યવહારનું નિરીક્ષણ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *