સુરતમાં ઉતરાયણ પર્વે ખાણીપીણી માટે લાંબી લાઈન લાગી
ફાફડા, જલેબી અને ઊંધિયુંની ખરીદી કરવા લાંબી લાઈન
રાજકોટમાં ચાપડી ઊંધિયુંની ડિમાન્ડ
સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ ખાણીપીણી માટે લાંબી લાઈન લાગી છે. જેમાં ફાફડા, જલેબી અને ઊંધિયુંની ખરીદી કરવા લોકોની લાંબી લાઈન લાગી છે. અમદાવાદમાં શુધ્ધ ઘીની જલેબી, ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ, રાજકોટમાં ચાપડી ઊંધિયુંની ડિમાન્ડ અને વડોદરામાં પણ ઉંધિયાની ધૂમ ખરીદી કરવા લોકો ઉમેટ્યા.
સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે સુરતીઓ અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી જશે તેવો અંદાજ છે. ગત વર્ષે આ આંકડો 30 કરોડની આસપાસ હતો, જે આ વખતે ભાવવધારા અને વધતી માંગને કારણે નવી સપાટી વટાવશે. સુરતીઓ માટે ઉત્તરાયણ એટલે ‘રસોડાને રજા’ અને ‘ઊંધિયાની મજા’. આ પરંપરાને જાળવી રાખવા માટે લોકો કિલો દીઠ વધારાના 100-150 રૂપિયા ચૂકવવા પણ તૈયાર દેખાઈ રહ્યા છે. ઊંધિયું બનાવવા માટે જરૂરી એવા ખાસ શાકભાજીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં અધધ વધારો થયો છે.
સુરત શહેરની તમામ દુકાનો પર લોકોની લાઇન જોવા મળી રહી છે. ફરસાણના ભાવ વધ્યા હોવા છતાં લોકોની ડિમાન્ડમાં ઘટાડો ન થયો હોવાની દુકાનદારો માની રહ્યા છે. અમદાવાદમાં શુધ્ધ ઘીની જલેબી, ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ વધુ છે. તેમજ ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ફાફડા, જલેબી અને ઊંધિયા વગર ઉત્તરાયણ અધૂરી ગણાય છે. સુરત એપીએમસી માર્કેટમાં રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણની આવક હોવા છતાં માંગ 5 ગણી વધી ગઈ છે. સામાન્ય દિવસોમાં જે રતાળુ કે પાપડી વ્યાજબી ભાવે મળતા હતા, તેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
