કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં
જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ધ્રુવરાજસિંહ સારવાર હેઠળ
ધ્રુવરાજસિંહે દેવાયત ખવડ પર કર્યા ગંભીર આરોપ
કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં છે. ડાયરા કલાકાર અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કર્યો હતો અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપી હતી.
કલાકાર દેવાયત ખવડ અને તેના માણસો જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર અને ક્રેટા કારે તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયાને કારને પાંચ વખત ટક્કર મારી હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી પગ ભાંગી નાખ્યો હતો. નોંધનીય છે કે બંને વચ્ચે 6 મહિના પહેલા અમદાવાદના સનાથલમાં ડાયરાના કાર્યક્રમમાં ન આવવા બદલ બંને વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકો સામે મોડી રાત્રિ ફરિયાદ નોંધાઈ હતી. ગીર સોમનાથના SP મનોજસિંહ જાડેજા પણ તાલાલા દોડી આવ્યા હતા. જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ ધ્રુવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે સવારે 11 વાગ્યે સોમનાથ જવા નીકળ્યા ત્યારે ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર પાંચવાર ઉપર ચઢાવી દીધી. તેની પાછળ ક્રેટા ગાડી હતી. બન્ને ગાડીમાં નંબર પ્લેટ નહોતી અને બ્લેક ફિલ્મ હતી. તેમાંથી 12થી 13 લોકો લોખંડના ધોકા લઈને નીકળ્યા અને અમારી ગાડીના કાચ ફોડી નાંખ્યા અને પછી બહાર કાઢી અપશબ્દો બોલ્યા. મને રિવોલ્વર બતાવી કહ્યું કે આ તારી માટે જ બે નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું કહી મને પગમાં ધોકા માર્યા. મારા પગ અને હાથમાં ફ્રેક્ચર થયું છે. મારા ગળામાં 15 તોલાનો સાનાનો દોરો પહેર્યો હતો એ પણ હુમલાખોરો લઈ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે આવેલા ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. એને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હતી. પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે, બીજી તરફ આ ઘટનાને નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે 8-10 લોકોએ બેઝબોલના ધોકાથી કિયા કાર પર હુમલો કર્યો હતો. જેના નિશાન કિયા કારની સાઈડ અને પાછળના ભાગે જોવા મળે છે તેમજ ફોર્ચ્યુનર કારનો લોગો પણ ઊખડીને કિયા કારના બોનેટ પર ચોંટી ગયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
