સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા ફરી માગ ઉઠી.
રાજકોટ બાર એસોસિએશનના 27 વકીલોની કમિટીની રચના કરાઈ.
હાઇકોર્ટની બેંચ મળે તો સૌરાષ્ટ્ર અને કચ્છને સીધો ફાયદો થાય.
વર્ષ 1983માં 6 માસ સુધી ચાલેલા આંદોલન બાદ સમયાંતરે કરવામાં આવતી માગ ફરી ઉઠી છે અને 27 સિનિયર વકીલોએ કમિટી બનાવી ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટને પણ સર્કિટ બેંચ આપે તેવી માગ કરી છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારૂ, ઉપપ્રમુખ સુમિતભાઈ વોરા, સેક્રેટરી સંદીપભાઈ વેકરીયા સહિતના હોદેદારો અને વકીલોની એક બેઠક મળી હતી, જેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને તજજ્ઞ વકીલો સાથેની 27 એડવોકેટની એક કમિટી રચવામાં આવી છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં સૌરાષ્ટ્ર જ્યારે રાજ્યનો દરજ્જો ધરાવતું હતું, ત્યારે સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બેન્ચ ધરાવતું હતું અને આ બેન્ચ રાજકોટમાં બેસતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ સૌરાષ્ટ્ર હાઇકોર્ટની બેન્ચ બંધ થઇ હતી. હાલ ગુજરાત રાજ્યમાં માત્ર એક જ હાઇકોર્ટ છે અને તે અમદાવાદમાં બેસે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બોમ્બે હાઇકોર્ટ દ્વારા કોલ્હાપુરને સર્કિટ બેન્ચ મળે તે અંગે ચીફ જસ્ટિસ દ્વારા ગર્વનરની મંજૂરી લઇને નવી સર્કિટ બેન્ચની રચના કરવામાં આવી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના સભ્યો દ્વારા સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેન્ચ મળે તે અંગેની વર્ષોથી પડતર માગ અંગેની ચળવળ ફરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ બારના સિનિયર ધારાશાસ્ત્રીઓ કે જેઓ વર્ષ 1983માં પણ આ અંગેની કામગીરી કરી હોય તે સહિતના તમામ વિષયોના તજજ્ઞોની આ કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા રાજકોટ બાર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળે અને રાજકોટને હાઈકોર્ટની સર્કિટ બેંચ મળે તે માટે પોતાનો યશશ્વી ફાળો આપી રાજકોટ બારના માર્ગદર્શક અને પથદર્શક બની ભવિષ્યમાં રાજકોટ બારને તથા તેના સભ્યોને હાઈકોર્ટની સર્કિટ બેંચ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે. રાજકોટ બારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રભરના વકીલોમાં હાઈકોર્ટની બેંચ મળે તે માટે નવી આશા જાગી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
