પંચમહાલમાં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક પર જાતિય ટીપ્પણીથી આક્રોશ
ગોધરા માનવ અધિકાર હક રક્ષક સમિતિએ આપ્યું આવેદન
રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન
ગોધરામાં પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ ભાવિક પટેલ દ્વારા વોટસએપ ગ્રુપમાં SC-ST સમાજના શિક્ષકો વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો ગરમાયો છે.
પંચમહાલ કાલોલ તાલુકાના વોટસએપ ગ્રુપમાં ભાવિક પટેલે SC-ST શિક્ષકો અને ચિત્રકુટ એવોર્ડ વિજેતા શિક્ષક વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે માનવ અધિકાર હક રક્ષક સમિતિએ આવેદનપત્ર આપ્યું છે. આવેદન આપવા SC-ST સમાજના આગેવાનો અને નાગરિકો પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરને સંબોધીને રાષ્ટ્રપતિને આપેલા આવેદનમાં જણાવાયું છે કે શિક્ષણ જગતના પ્રશ્નોની ચર્ચા માટે બનાવેલા વોટસએપ ગ્રુપમાં જુલાઈ મહિનામાં ભાવિક પટેલે ચિત્રકુટ એવોર્ડ વિજેતા શિક્ષકને રોડ પર દોડાવીને મારવાની ધમકી આપી હતી. તેમણે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ભાવિક પટેલ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવામાં આવે. સાથે જ ચિત્રકુટ એવોર્ડ મોરારીબાપુના હસ્તે અપાતાં છે. પણ જો એ ભાવિક પટેલની લાગવગથી અપાયા હોય તો તેની પણ તપાસ થવી જોઈએ.
આવેદનમાં આરોપ મુકાયો છે કે ભાવિક પટેલે કાલોલ તાલુકામાં નોકરી કરતા ચોક્કસ સમાજના શિક્ષકોને ધાકધમકી આપી હતી. આવેદકોએ જણાવ્યું કે આવા શબ્દો શિક્ષકને છાજે તેવા નથી અને SC-ST સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે ભાવિક પટેલે આરોપ મૂક્યો છે કે તેમને બદનામ કરવાનો અને તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ દરેક સમાજને સાથે લઈને ચાલે છે અને બધા જ સમાજ તેમના માટે વંદનીય છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
