આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પોનું આયોજન કરી લાભાર્થીઓને પ્રથમ હપ્તાના સહાયની ચુકવણી કરવામાં આવી હતી.
લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહીને નાનામાં નાનો માણસ ઘર વિયાણો ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના નું ઝડપી અમલીકરણ કરવા આવી રહ્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાસવિહોણા કે કાચું ઘર ધરાવતાં હોય, તેમને આવાસ બાંધકામ માટેની નાણાકીય સહાય પૂરી પાડતી યોજના છે.
આ તકે રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના 45 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને આ યોજનામાં ઝડપી લોકોને લાભ મળી રહે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. માંડવી ધારાસભ્ય શ્રી અનિરુધભાઈ દવે ની અધ્યક્ષતામાં 68 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. અને લોકોને પોતાના સપનાનું ઘર બને તે માટે તે હંમેશા પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું
આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ આપવામાં આવતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે રૂ.૩૦,૦૦૦/-, રૂ.૫૦,૦૦૦/- અને રૂ.૪૦,૦૦૦/- આપવામાં આવે છે.
જો લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ ન હોય,તો સરકારશ્રી તરફથી લાભાર્થીને ૧૦૦ ચો.વારનો પ્લોટ પણ ફાળવવામાં આવે છે. તદુપરાંત લાભાર્થી જો ૬ માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરે તો લાભાર્થીને સહાય ઉપરાંત મુખ્યમંત્રી અતિરિક્ત પ્રોત્સાહક સહાય હેઠળ રૂ.૨૦,૦૦૦/- પણ આપવામાં આવે છે. તેમજ જો આવાસની સાથે બાથરૂમનું બાંધકામ કરે તો સહાય ઉપરાંત બાથરૂમ બાંધકામ સહાય હેઠળ રૂ.૫,૦૦૦/- આપવામાં આવે છે. લાભાર્થીને આવાસનું બાંધકામ જાતે કરવા બદલ મનરેગા હેઠળ ૧૦૦ દિવસની સરકારશ્રીના વખતોવખતના નક્કી થયેલ મજુરીના દરને આધારે રોજગારી ચુકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત માત્ર આવાસની સાથે સાથે લાભાર્થી ને જીવનની અન્ય પણ પાયાની સવલતો મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે, ઉજાલા યોજના હેઠળ વીજળીનું કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન, નલ સે જલ યોજના હેઠળ પાણીનું કનેક્શન જેવી અન્ય યોજનાઓ સાથે સંકલન સાધીને લાભાર્થીને વધુમાં વધુ સરકારી લાભો મળી રહે તેવા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વર્ષ ૨૦૨૨-૨૩માટે કચ્છ જિલ્લાને ૧.૫ માસ અગાઉ ૩૪૮૦નો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. જે પેંકી ટૂંક જ સમયમાં લાભાર્થીની ખરાઈ કરી, જરૂરી પુરાવા-દસ્તાવેજ લઇ ૧૬૭૬ જેટલા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે મંજુરી આપવામાં આવેલ છે. તેમજ ૪૨૩ જેટલા લાભાર્થીઓ પાસે આવાસ બનાવવા માટે પ્લોટ ન હોતાં, તેમને પણ ૧૦૦ ચો. વાર પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેથી તેઓ પણ પોતાના સ્વપ્નનું આવાસ બનાવી શકે.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તાલુકો વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, પી.એમ.એ.વાય(જી)ના કર્મચારીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ યોજનાનો લાભ લોકોને ઝડપથી મળી રહે,તે માટે નિયામકશ્રી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તમામ તાલુકાવિકાસ અધિકારીશ્રીઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) ના તમામ કર્મચારીઓ મિશન મોડ પરકામગીરી કરી રહ્યા છે.