Site icon hindtv.in

વેરાવળમાં જલભરાવની સમસ્યા.

વેરાવળમાં જલભરાવની સમસ્યા.
Spread the love

વેરાવળમાં જલભરાવની સમસ્યા.
વેરાવળના વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી.
નિકાલ માટે ડી-વોટરિંગ પંપ મુકાયા

ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગાંધીચોક સ્વિમિંગ પૂલ બનતા વેપારીઓ કફોડી હાલતમાં મુકાયા છે અને ગંદા પાણીમાં બાળકો ન્હાતા નજરે પડ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વેરાવળ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. નીચાણવાળા વિસ્તારોથી લઈને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ મુશળધાર વરસાદની વચ્ચે ‘સંદેશ ન્યૂઝ’ની ટીમ દ્વારા વેરાવળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ‘ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ’ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વેરાવળમાં આ વિકટ સ્થિતિ સર્જાવા પાછળ માત્ર કુદરતી આફત જ નહીં, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. વેરાવળ શહેરમાં ભારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી. પરિણામે, વરસાદી પાણી ગટરોમાં બેક મારતા રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા. આ જોખમી અને ગંદા પાણીમાં નાના માસૂમ બાળકો ન્હાતા નજરે પડ્યા હતા, જે રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યા છે. આ દ્રશ્યોએ સ્થાનિક વહીવટી તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.

ભારે વરસાદના કારણે વેરાવળનો હૃદયસમો ગણાતો ગાંધીચોક વિસ્તાર અને તેની આસપાસની મુખ્ય બજારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગઈ છે. કલાકોના વરસાદમાં જ આખો ગાંધીચોક વિસ્તાર જાણે કોઈ આર્ટિફિશિયલ સ્વિમિંગ પૂલ હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version