Site icon hindtv.in

અમરેલી મોણપુર અને આસપાસના ગામોની પાણીની સમસ્યા

અમરેલી મોણપુર અને આસપાસના ગામોની પાણીની સમસ્યા
Spread the love

અમરેલી મોણપુર અને આસપાસના ગામોની પાણીની સમસ્યા
પીવાની તેમજ સિંચાઇના પાણીની સમસ્યા થઈ દૂર.
વર્ષોથી સૌની યોજનાનું પાણી બાબતે વર્ષોથી માંગણી હતી.

સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી ‘સૌની યોજના’ અંતર્ગત અમરેલી જિલ્લાના મોણપુર ગામમાં નર્મદાના નીરનું આગમન થયું છે. જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ‘સૌની યોજના’ લિંક 4, પેકેજ 5 હેઠળ 27.84 લાખના ખર્ચે નવનિર્મિત સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે આશરે 350 કિ.મી. દૂરથી નર્મદાનું પાણી હવે મોણપુરના તળાવમાં ઠલવાશે.

મરેલી જિલ્લાના મોણપુર ગામમાં નવનિર્મિત સ્કાવર વાલ્વ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, “આ માત્ર એક વાલ્વ નથી, પરંતુ આસપાસના 8 થી 10 ગામોની ખેતી, પીવાનું પાણી અને પશુ-પંખીઓ માટે પ્રાણ આપતો વાલ્વ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાની સક્રિયતાને કારણે આ ખાસ કેસમાં મંજૂર થયેલો વાલ્વ હવે વર્ષો સુધી ખેતરના તળ ઊંચા લાવવામાં અને ચેકડેમો ભરેલા રાખવામાં મદદરૂપ થશે. મોણપુર બાદ મંત્રીઓ દ્વારા ચિત્તલ મુકામે ‘જળ અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. અહીં ‘જલ જીવન મિશન’ હેઠળ રૂ. 2.33 કરોડના ખર્ચે ‘નલ સે જલ’ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ યોજનાથી અંદાજે 218 ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચશે. આ ઉપરાંત, ચિત્તલ વિસ્તારમાં વિકાસની ગતિ તેજ કરતા રૂ. 48 લાખના ખર્ચે સ્લેબડ્રેઈન, પૂર સંરક્ષણ દિવાલ, કોમ્યુનિટી હોલ, સીસી રોડ અને ભૂગર્ભ ગટર જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

વડીયા તાલુકાના સનાળા ગામે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને સાંસદ ભરત સુતરિયા અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સનાળા ગામે સૌની યોજનાના વાલ્વને ખૂલ્લો મુકવાના કાર્યક્રમ બાદ બન્ને નેતા ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતના ખેતરમાં બન્ને નેતાઓ ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કૃષિમંત્રી સાથે સાંસદ ભરત સુતરિયાએ પણ ખેડૂતના ખેતરમાં ટ્રેક્ટર હકાવ્યું હતું. બન્ને નેતાએ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી કૃષિ અને સિંચાઈ સંબંધિત ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘સૌની યોજના’ હેઠળ અંદાજે 1,126 કિ.મી. લાંબુ પાઇપલાઇન નેટવર્ક પથરાયેલું છે. આ પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના ડેમ અને તળાવો ભરીને સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. મોણપુરના કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, કલેકટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version