ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાન
નવસારી જિલ્લામાં ચૂંટણીપંચ દ્વારા સુવ્યવસ્થિત આયોજન
જિલ્લામાં આવેલી બેઠકો પર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજાનાર છે ત્યારે નવસારી જિલ્લામાં ચૂંટણીપંચ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલી બેઠકો પર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.
નવસારી જિલ્લામાં કુલ ૨૩૮ બેઠકોમાંથી ૫૭ બેઠકો બિનહરીફ જાહેર થતાં હવે બાકી રહેલી ૧૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. તેમાં જિલ્લા પંચાયતની ૨૧ બેઠકો, તાલુકા પંચાયતની ૧૦૮ બેઠકો, નવસારી મહાનગરપાલિકાની ૫૦ બેઠકો અને ગણદેવી નગરપાલિકાની ૨ બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ બનાવવા માટે જિલ્લામાં કુલ ૧૩૯ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ ૫૪૦૭ પોલિંગ સ્ટાફ અને ૧૬૭૫ પોલીસ સ્ટાફને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. રીસીવિંગ અને ડિસ્પેચિંગ સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં મતદાન મથકો પર ઇવીએમ મશીન સાથે સ્ટાફને પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ આવતી કાલે પડનારી ગરમી (હીટવેવ)ને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક મતદાન મથક પર આરોગ્ય ટીમની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને છાંયડાં માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે નવસારી જિલ્લામાં મતદાન પ્રક્રિયાને લઇ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે અને ડીસ્પેચિંગ કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી છે.

