સુરતમાં નવરાત્રિમાં દીકરીઓની સુરક્ષા માટે વીએચપી અને બજરંગદળ મેદાને
લવ જેહાદથી દીકરીઓ બચી શકે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
નવરાત્રીના પર્વ માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે તેના માટે આયોજકો અને ખેલૈયાઓને સૂચના આપવામાં આવી રહી છે. આ તરફ સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સલાહ આપી છે. જેમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે તેવી વાત કરી છે.સાથે જ હિન્દુ ધર્મની દીકરીઓ માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રિના પર્વનું ખાસ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસ દીકરીઓ નવ દિવસ ગરબે રમી માતાજીની આરાધના કરતી હોય છે. ત્યારે નવરાત્રીના તહેવાર કોઈપણ દીકરી લવ જેહાદ નો ભોગ ન બને તે માટે હિન્દુ સંગઠનો સક્રિય થઈ ગયા છે. સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બંજરગ દળ એ ગરબા ના આયોજક ને કડક ભાષામાં ચીમકી આપી હતી કે જો ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી દેખાશે તો જોયા જેવી થશે. કોઈપણ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી ને પ્રવેશ આપવામાં ન આવે, ગરબે ઘૂમવા આવતા ખેલૈયાઓના કપાળ પર તિલક કરી ગૌ મૂત્રનો છંટકાવ કરવામાં આવે, દરેકના આધારકાર્ડ ચેક કરવામાં આવે, તેમજ કોઈપણ વિધર્મીને બાઉન્સર તરીકે ન રાખવામાં આવે, કલાકારો પણ પરંપરાગત પોશાક પહેરી પર્ફોર્મન્સ આપે. સાથે જ હિન્દુ ધર્મની દીકરીઓ માટે 90230 15790 હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો હતો. આ હેલ્પ લાઇન પર નવરાત્રીના પર્વ માં 24×7 સંપર્ક કરી શકે છે. સુરત જિલ્લામાં હિન્દુ સંગઠનના 100 થી વધુ યુવક યુવતી કાર્યકરો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં જઈને સરપ્રાઈઝ ચેકીંગ કરશે..
