Site icon hindtv.in

ભરૂચ નેત્રંગ ચેકપોસ્ટ પર હાથ ધરાયું હતું વાહનચેકિંગ

ભરૂચ નેત્રંગ ચેકપોસ્ટ પર હાથ ધરાયું હતું વાહનચેકિંગ
Spread the love

ભરૂચ નેત્રંગ ચેકપોસ્ટ પર હાથ ધરાયું હતું વાહનચેકિંગ
ડેડિયાપાડાથી આવતી એમપી પાર્સિંગની i20 કાર શંકાસ્પદ
ટોળકીને ઝડપી પાડીને 9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ નેત્રંગ પોલીસને વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડીને 9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ કર્ણાટકના કિટ્ટુર ખાતે આવેલી જ્વેલરી શોપમાં ચોરી કરીને ગુજરાત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભરૂચની નેત્રંગ ચેકપોસ્ટ પર પોલીસને જોઈને આરોપીઓએ કાર ભગાવી હતી, પરંતુ પોલીસે પીછો કરીને વાહન અટકાવી કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈને કારચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કરતા પોલીસ ટીમે તેનો પીછો કર્યો હતો. કાર રોકીને તપાસ કરતા તેમાં સોના-ચાંદી જેવા દેખાતા ઘરેણાં અને વિવિધ મૂર્તિઓ સહિતનો સામાન મળી આવ્યો હતો.પ્રાથમિક તબક્કે કારમાં સવાર આરોપીઓમાંથી ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ડ્રોન કેમેરાની મદથી પણ શોધખોળ કરવામાં આવી હતી. પોલીસની સઘન કામગીરી બાદ ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહીમાં નેત્રંગ પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે. વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા આંતરાજ્ય ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ખાસ કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરા અને કોમ્બિંગ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીઓ રાજસ્થાનમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પોલીસ પર હુમલો, POCSO અને NDPS એક્ટ હેઠળના ગુનાઓનો પણ સમાવેશ થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ કિટ્ટુર પોલીસની ટીમ ભરૂચ પહોંચી હતી અને આરોપીઓ તથા મુદ્દામાલ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીઓને કર્ણાટક લઈ જવા માટે રવાના થઈ છે. હવે કિટ્ટુર પોલીસ દ્વારા જ્વેલરી શોપમાં થયેલી ચોરી તેમજ આરોપીઓના અન્ય ગુનાહિત કનેક્શન અંગે વધુ તપાસ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version