વડોદરા ગંભીર પુલ દુર્ઘટનામાં તંત્રની ઢીલી કામગીરીથી મૃતદેહ વિના અંતિમક્રિયા.
નરસિંહપુરાના વિક્રમસિંહની અંતિમક્રિયા કરાઈ.
વિક્રમસિંહનું પૂતળું બનાવી પરિવારે કરી અંતિમક્રિયા.
ગંભીરાબ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ ‘વિકસિત’ ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી શક્યું નથી. પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે આજે અમારા વહાલસોયા દીકરાના કોઈ સમાચાર આવશે, પણ અફસોસ કે પરિવારના નસીબમાં નિરાશા જ છે. આખરે પરિવારે હારી થાકીને 14 જુલાઈએ દુર્ઘટનામાં ગુમ વિક્રમસિંહનું પૂતળું બનાવી નદી કાંઠે જ અગ્નિદાહ આપી દીધો છે.
મહીસાગર નદી પરનો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરાબ્રિજ અચાનક જ તૂટી પડ્યો, જેમાંથી અત્યારસુધીમાં 20 મૃતદેહ મળ્યા છે, જોકે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના 22 વર્ષીય વિક્રમસિંહ પઢિયારનો કોઈ પત્તો મળ્યો નથી. વિક્રમસિંહ પઢિયારના પરિવારમાં દાદા-દાદી, માતા-પિતા, પત્ની અને એક વર્ષની દીકરી છે. દીકરી નિરાલીનો ગયા મહિને 20 તારીખે જ જન્મદિવસ હતો. આ દિવસે વિક્રમસિંહ ખૂબ ખુશ હતા. તેમણે પરિવાર સાથે દીકરી નિરાલીના જન્મદિવસની ઉજવણી કરી હતી. 6 દિવસ બાદ પણ નરસિંહપુરાના 22 વર્ષીય વિક્રમસિંહ પઢિયારનો કોઈ પત્તો લાગ્યો નથી. પત્નીએ 6 દિવસથી અન્નનો એક દાણો પણ ખાધો નથી. પરિવાર રોઈ રોઈને થાકી ગયો છે. ત્યારે કુદરતના આ વજ્રઘાતથી પીડિત પરિવારે પુત્રનું પૂતળું બનાવી મહીસાગરના કાંઠે વિધિ-વિધાન સાથે અંતિમસંસ્કાર કરી દીધા, જોકે પરિવારને હજી પણ આશા છે કે તેમના વહાલસોયાનો મૃતદેહ તેમને મળશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

