ભાવનગર:ચિત્રા જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ
કારખાનામાંથી રૂ.1.23 લાખના સરસામાનની ચોરી
તસ્કરો રાત્રીના કારખાનામાં પ્રવેશ કરી કોપરના ત્રણ રિલ, હુક,
વાયરનું બંડલ સહિત 300 નંગની ચોરી કરી પલાયન થયા
અગાઉ કામ કરી ગયેલા કારીગર પર ચોરીની આશંકા, કારખાનેદાર નોંધાઇ ફરિયાદ
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર આવેલી બેંક કોલોનીમાં રહેતા અને ચિત્રા GIDCમાં કારખાનું ધરાવતા વેપારીના કારખાનામાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી રૂ.1,23,200ની કિંમતના કોપરના રિલ, હુક અને વાયર સહિતનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે, ચોરીની સમગ્ર ઘટના કારખાનામાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે કારખાનાના ધારકે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગરના એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલ બેંક કોલોનીમાં રહેતા અને ચિત્રા જી.આઈ.ડી.સી.માં ‘ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટી’ નામનું કારખાનું ધરાવતા નરેશભાઈ કાનજીભાઈ ડોડીયાએ બોરતળાવ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.5 ના રોજ તેઓ કારખાનું બંધ કરી જતા રહ્યા હતા.બાદ બીજા દિવસે તેઓ કારખાને પહોંચતા તેના ભાઈએ કારખાનામાં દાદર ની નીચે મુકેલા મેટલના રિલ જોવા મળતી નથી. બાદ તેઓ અને તેના ભાઈ કારખાનામાં તપાસ કરતા તા.6.09.2026ના રોજ રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો તેના કારખાનામાં પ્રવેશ કરી કોપરના ત્રણ રિલ, કોપરના હુક, અને કોપરના વાયરનું બંડલ તથા કોપરના કાસ્ટિંગ 300 નંગ મળી (કુલ રૂ.1,23,200) ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. તેમજ અગાવ તેના કારખાનામાં કરતો કારીગરે આ ચોરી કરવાની આશંકા જતાવી હતી. જ્યારે ચોરીની સમગ્ર ઘટના કારખાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જે મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS ની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

