સુરતમાં ટ્રાફિક નિયમનને લઈ ટ્રાફિક પોલીસ મેદાને
રીક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો
એક જ દિવસમાં 31 રીક્ષા ડિટેઈન કરવાની સાથે કાગળોની તપાસ
સુરતમાં ટ્રાફિક નિયમનને લઈ ટ્રાફિક પોલીસ મેદાને આવી ગઈ છે. તો સુરતમાં રીક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હોય તેમ એક જ દિવસમાં 31 રીક્ષા ડિટેઈન કરવાની સાથે કાગળોની તપાસ શરૂ હતી.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને સાંસદો સાથે યોજાયેલી સંકલન મિટિંગમાં શહેરના ટ્રાફિક પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો. મિટિંગમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર રીક્ષાચાલકો દ્વારા કરવામાં આવતા દબાણનો મુદ્દો ગંભીરતાથી લેવાયો હતો. મિટિંગ બાદ પોલીસ કમિશનર ગેહલોતે તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસ કમિશનર સજનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર તેમજ મદદનીશ પોલીસ કમિશનર ટંડેલ, શેખ, ગામીત અને ભરવાડને સુરતના વિવિધ રસ્તાઓ પર દબાણ કરીને ઊભા રહેતા રીક્ષાચાલકો સામે કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. કમિશનરના નિર્દેશને પગલે ટ્રાફિક વિભાગે શનિવાર સવારથી જ શહેરના અલગ અલગ રિજિયનમાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષાઓના વેરિફિકેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં મોટાભાગની રીક્ષાઓ સીએનજી હોવા છતાં ઘણા ચાલકો પાસે સીએનજી ટેસ્ટિંગ સર્ટિફિકેટ હોતું નથી. સર્ટિફિકેટ વિના દોડતી રીક્ષાને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે આ બાબતે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે.
સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ અને પોઈન્ટ પર રીક્ષાચાલકો મનસ્વી રીતે રસ્તા પર દબાણ કરી પેસેન્જર લેવા માટે ઊભા રહી જતા હોય છે. તેના કારણે અન્ય વાહન ચાલકોને નાના-મોટા અકસ્માતનો ભય રહે છે. આવા દબાણને દૂર કરવા માટે જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તો મદદનીશ પોલીસ કમિશનર વિમલ ગામીતે માહિતી આપતા જણાવ્યું હતું કે રિજિયન 2 વિસ્તારમાં બપોર સુધીમાં 31 જેટલી રીક્ષાઓ અલગ અલગ જગ્યા પરથી ડિટેન કરવામાં આવી છે. આ તમામ રીક્ષાઓ વિરુદ્ધ આરટીઓ નિયમો મુજબ તથા અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અન્ય રિજિયનમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ છે.

