ભરુચ જિલ્લામાં મનરેગા બાદ શૌચાલય કૌભાંડ.
અંકલેશ્વરમાં શૌચાલય કૌભાંડને લઈ તપાસના આદેશ.
લગ્ન નોંધણી માટે અપાયેલા આધારકાર્ડનો દુરુપયોગ.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે અંકલેશ્વરમાં એક મોટું શૌચાલય કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ કૌભાંડમાં લગ્ન નોંધણી માટે જમા કરાવવામાં આવેલા આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોકોને શૌચાલય યોજનાના લાભાર્થી બનાવી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કુલ રૂપિયા 1.62 કરોડના ખર્ચે 1906 શૌચાલય બનાવ્યા હોવાનું દસ્તાવેજો પર દર્શાવવામાં આવ્યું છે.જો કે જાગૃત નાગરિકો અને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, આ પૈકી 80 ટકા જેટલી કામગીરી વાસ્તવિક રીતે થઈ જ નથી. તેમનો દાવો છે કે, કાગળ પર ભલે 1906 શૌચાલય દર્શાવાયા હોય, પરંતુ હકીકતમાં ફક્ત 200થી 300 શૌચાલય જ બન્યા હશે.આ આક્ષેપો દર્શાવે છે કે, આ ભંડોળનો મોટા પાયે દુરુપયોગ થયો છે અને સરકારી યોજનાના નામે લાખો રૂપિયાનો ગોટાળો આચરવામાં આવ્યો છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે. એક સ્થાનિક લાભાર્થી રોમીલ આલ્ફ્રેડ છારેલએ કહ્યું હતું કે, મને જાણ થઈ કે મારા ડોકયુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, હું વોર્ડ-9માં રહું છું. મે મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા, એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે. એને હું સખત શબ્દોમાં વખોડું છું.
આજે લગભગ 10 વર્ષ બાદ આ ગોબાચારીનો પરપોટો ફૂટ્યો છે. આ કૌભાંડમાં એક જ પરિવારના 4 સભ્યોના નામે પણ શૌચાલય બાંધવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ એક વ્યાપક અને આયોજનબદ્ધ કૌભાંડ હોઈ શકે છે. પ્રાથમિક માહિતી અને સામે આવેલી લાભાર્થીઓની યાદી પરથી આ ગોટાળાનો ભાંડો ફૂટ્યો છે. લગભગ એક દાયકા અગાઉ આશરે 2015ની આસપાસ અંકલેશ્વર નગરપાલિકામાં જે લોકોએ લગ્ન નોંધણી માટે પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા, તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી દર્શાવી દેવામાં આવ્યા હતા. પણ વાસ્તવિકતા એ છે કે આ લોકોને શૌચાલય મળ્યા જ નહોતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

