ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ચોકીદાર પર ત્રણ શખ્સોનો હુમલો
પંપીંગ સ્ટેશનમાં માદક પદાર્થો પીવા માટે બેસવાની ના પાડી
પ્રવેશવા માટે ના પાડ્યાની દાઝ રાખી હથિયારો વડે હુમલો કર્યો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને બી એમ સી ના વોટર પંપિંગ સ્ટેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા એક યુવાન પર ત્રણ શખ્સોએ જૂની અદાવતે હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાનુબેન ની વાડી મફતનગરમાં શેરી નંબર ૧૦ લાખા પોપટની દુકાન પાસે રહેતો અને બીએમસીના માઢીયા રોડ પર આવેલ વોટર પંપિંગ સ્ટેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા રાજુ લાભુ જાંબુચાએ કુંભારવાડા વિસ્તારમાં જ રહેતા વિજય ઉર્ફે સાંગો ભરત પરમાર,ભરત પરમાર અને અજય ભરત પરમાર વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ત્રણેય શખ્સો અવાર-નવાર પંપિંગ સ્ટેશન પર આવી અહીં દારૂ,ગાંજો પીવા માટે બેસવા દેવા જણાવતા હતા પરંતુ ફરિયાદી રાજુએ આવા માદક પદાર્થોના સેવન માટે પંપિંગ સ્ટેશનમાં બેસવા દેવાની ના પાડતા આ વાતની ત્રણેય શખ્સોએ મનોમન દાઝ રાખી હતી દરમ્યાન ગતરોજ ફરિયાદી રાજુ પંપિંગ સ્ટેશનમાં નોકરી પર હાજર હોય એ દરમ્યાન ત્રણેય શખ્સો હાથમાં ધારિયું,પાઇપ, અને ધોકા ધારણ કરીને આવ્યા હતા અને રાજુને કહેલ કે અમને બેસવાની ના કેમ પાડે છે તેમ કહી ઝઘડો કરી જેમ ફાવે તેમ ભૂંડાબોલી ગાળો દઈ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ મારામારી ની ઘટના પંપિંગ સ્ટેશનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના વિડિયો ફૂટેજમાં કેદ થવા પામી છે જ્યારે ઇજાગ્રસ્ત રાજુને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે ડી ડિવિઝન પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

