ભાવનગરના શેલારશા ચોક વિસ્તારમાંથી BSNL ના કેબલ વાયરની ચોરી
કેબલ વાયરની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા
20 મીટરનો કેબલ જમીનમાંથી ખોદી કાઢી લઈ ગયા હતા
ભાવનગર શહેરના આંબા ચોકથી શેલાર શાહ, રેલવે સ્ટેશન રોડ પર બીએસએનએલ ટેલીકોમ કંપની દ્વારા ભૂગર્ભ કેબલ લાઈન પાથરી હોય આ કેબલનો 20 મીટર વાયર આંધ્રપ્રદેશના ચાર શખ્સોએ જમીનમાંથી ખોદી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ટેલિકોમ કંપનીના જુનિયર ઓફિસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ચારેય શખ્સોને મુદ્દામાલ તથા વાહન સાથે ઝડપી લઇ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ નાંખ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સીદસર રોડ પર આવેલ સોલંકી રેસ્ટોરન્ટ પાસે ઝેડ પ્લસ ફ્લેટમાં રહેતા અને પાનવાડી સ્થિત bsnl ની હેડકચેરીમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા. પ્રિતેશ હરેન્દ્ર પ્રસાદ ઉંમર વર્ષ 32એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે શહેરમાં ઇન્ટરનેટ તથા ટેલિફોનિક સેવા પૂરી પાડવા માટે ભૂતકાળમાં bsnl દ્વારા જમીનમાં કેબલ લાઈન પાથરી ગ્રાહકોને સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેબલ લાઈન ટેકનોલોજી બંધ કરવામાં આવી હોય અને બંધ કરાયેલ ટેકનોલોજીના કેબલ હજી ભૂગર્ભમાં જ હોય દરમિયાન શહેરના શેલારશા ચોક થી રેલ્વે સ્ટેશન રોડ રઝા ઇલેક્ટ્રીક શોપ સુધીના રોડ પર જમીનમાં રહેલ અંદાજે 20 મીટરનો કોપર નો વાયર જેની કિંમત રૂપિયા 25,000 ની કોઈ અજાણ્યા શખ્સોએ જમીનમાંથી ખોદી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે એ-ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે તપાસ દરમિયાન આંધ્રપ્રદેશના વતની (૧) રાજેશ નાગારાજુ સનપાંગી,(૨) સ્વામી નાગપાય શિવરાથરી,(૩) વેંકન્ના વિરાસ્વામી શિવરાથરી, અને (૪) શિવપ્રસાદ વિરજુ છલ્લા વાળાને ચોરી કરેલ કેબલ, ખોદકામ માટેના ઓજાર, બોલેરો પીકઅપ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે..
