ગણેશોત્સવ દરમિયાન વોન્ટેડ આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે હિમ્મત ઉર્ફે ખત્રીને માતાવાડીથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણેશ ઉત્સવને લઈને હાથ ધરેલી વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન વધુ એક રીઢા આરોપી એવા ભાવનગરના જેસર પોલીસ સ્ટેશનના એટ્રોસિટી અને ધમકીના ગુનામાં વોન્ટેડ હિમ્મત ઉર્ફે ખત્રીને વરાછા માતાવાડી પાસેથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વરાછા માતાવાડીના નાકેથી રીઢા આરોપી હિમ્મત ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી ભાવનગરના જેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી અને ધમકીના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી વર્ષ 2020માં માતલપર ગામે થયેલા સુરેશ હરી રાઠોડ હત્યા કેસમાં પણ આરોપી હતો અને વર્ષ 2024માં તેને અન્ય આરોપીઓ સાથે આજીવન કેદની સજા થઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં અપીલ કરતા સજા પર સ્ટે મળતાં તે જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. એપ્રિલ 2026માં જેલમાંથી બહાર આવ્યા બાદ જૂના હત્યા કેસના સાક્ષી સાથે અદાવત રાખી, જૂન 2026માં બેડા ગામે તેને છરી બતાવી ધમકી આપી હોવાનો અને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનો કર્યા બાદ આરોપી સુરત શહેરમાં આવી છૂપી રીતે રહેતો હતો અને ભરતકામની મજૂરી કરતો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો ભાવનગરની જેસર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

