વાયરલ વીડિયોએ નવસારીના દાંતેજ ગામના લોકોની ઊંઘ હરામ કરી
દાંતેજ પાસેથી પસાર થતી નહેરમાં મગર હોવાનો વીડિયો
વન વિભાગે સુરક્ષા માટે જાગૃતિના પગલાં લીધા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ નવસારીના દાંતેજ ગામના લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. દાંતેજ પાસેથી પસાર થતી નહેરમાં એક મગર હોવાનો વીડિયો છેલ્લા બે દિવસથી ભારે વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી છે અને ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું છે આ વાયરલ વીડિયોની સત્યતા અને વન વિભાગે સુરક્ષા માટે જાગૃતિના પગલાં લીધા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મગરના આ વીડિયોએ વન વિભાગને દોડતું કરી દીધું છે. વાયરલ વીડિયોની સત્યતા ચકાસવા માટે એસીએફ કેયુર પટેલ અને આરએફઓ એમ.પી. પટેલ સહિતનો વન વિભાગનો મોટો કાફલો તાબડતોબ દાંતેજ ગામ પાસે નહેરે પહોંચ્યો હતો. વન વિભાગની ટીમે નહેરની આસપાસના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી મગર હોવાના કોઈ ચોક્કસ પુરાવા કે ચિહ્નો મળ્યા નથી. પરંતુ વન વિભાગ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.કાળઝાળ ગરમીથી બચવા માટે આસપાસના યુવાનો મોટી સંખ્યામાં આ નહેરમાં નાહવા માટે આવતા હોય છે.
વન વિભાગે નહેર કિનારે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ચેતવણી આપતા બેનરો લગાવી દીધા છે અને લોકોને પાણીથી દૂર રહેવા અપીલ કરી છે. આ નહેરની નજીક જ સ્ટેટ હાઈવે આવેલો હોવાથી સતત અવરજવર રહે છે, જેને કારણે વન વિભાગ વધુ સતર્ક બન્યું છે.વન વિભાગની સજાગતાને કારણે હાલ તો નહેર આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ લોકોએ પણ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે.

