ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પરંપરાગત શ્રાવણી પર્વની ઉજવણી થઈ.
વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યું.
બ્રહ્મપૂજન, દેવપૂજન, બ્રહ્મ તર્પણ અને ઋષિ તર્પણ જેવા ધાર્મિક કાર્યો
જામનગર દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરની સેવા-પૂજા સાથે સંકળાયેલી શ્રી ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ-505 દ્વારા શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રાવણ સુદ પૂનમના દિવસે આ પવિત્ર પર્વની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે ગોમતીઘાટ ખાતે જ્ઞાતિના સભ્યોએ દર્શનીય સ્નાન કરી શુદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ બ્રહ્મપુરી નંબર-1 ખાતે જ્ઞાતિના બાળકો, યુવાનો અને વડીલો સહિતના તમામ ભાઈઓએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. જ્ઞાતિના કાર્યકારી પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા બ્રહ્મપૂજન, દેવપૂજન, બ્રહ્મ તર્પણ અને ઋષિ તર્પણ જેવા ધાર્મિક કાર્યો સંપન્ન કરાયા હતા. આચાર્ય પુરોહિત પરિવારોના ઋષિપુત્રોએ વેદોક્ત અને પુરાણોક્ત મંત્રોચ્ચાર સાથે મા ગાયત્રીની ચલિત પ્રતિમાનું પૂજન અને અભિષેક કરાવ્યો હતો.
આ ઉપરાંત, નવજાત બાળકોને ઋષિ પાટલે નમાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મંત્રી કપિલભાઈ વાયડા સહિત કારોબારી અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

