ઉકાઈ ડેમની સપાટી 316.33 ફૂટ નોંધાઈ
નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘો મન મૂકીને વરસ્યો
મંદિરમાં પાણી ભરાતા શિવાલય જળમગ્ન બન્યું
નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. તડકેશ્વર મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાયા છે, તો નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નવસારી જિલ્લામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે નવસારીના મંદિરમાં પાણી ભરાતા શિવાલય જળમગ્ન બન્યું છે અને કાવેરી, ખરેરા નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે, ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો, નવસારી જિલ્લામાં ગત મોડી સાંજથી ભારે વરસાદ વરસવાના કારણે જિલ્લાના ચેકડેમો તેમજ નદીમાં નવા નીરની આવક નોંધાઈ હતી, ભારે વરસાદ અને નદીમાં નીરની આવકના કારણે મંદિર પણ જળમગ્ન બન્યું હતું. કાવેરી અને ખરેરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનો પૈકી ચીખલધરામાં 10 મિ.મી., લખપુરીમાં 25 મિ.મી., ગોપાલખેડામાં 39 મિ.મી., અકોલા 21 મિ.મી., વુહારા 27 મિ.મી., તલસવાડા 41 મિ.મી., ચાંદપુર 43 મિ.મી.., ખેતીયા 14 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. તેના કારણે પાણીની આવક 33,386 ક્યુસેક થઈ હતી. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 316.33 ફૂટ નોંધાઈ હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી