સુરતમાં પાલિકાના આરોગ્ય-ફૂડ વિભાગની ખાસ ઝુંબેશ યથાવત
આરોગ્યમંત્રીની સૂચના બાદ સતત ચેકિંગ હાથ ધરાયું
છેલ્લા એક અઠવાડિયાથી ખાદ્ય સંસ્થાઓમાં તપાસ
સુરત શહેરમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ખાસ ઝુંબેશ યથાવત હોય તેમ આરોગ્યમંત્રીની સૂચના બાદ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ખાદ્ય પદાર્થો બનાવતી અને વેચતી સંસ્થાઓમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાની સુચના બાદ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગર પાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમોએ શહેરની કુલ 80 સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક સંસ્થાઓમાં આરોગ્ય અને સ્વચ્છતાને લગતી ખામીઓ સામે આવી હતી. નિયમોનું પાલન નહીં કરનાર 32 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અલગ અલગ સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થોના આશરે 25 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પાલિકા દ્વારા કુલ 1 લાખ 90 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ સંસ્થાઓમાંથી 44 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને પાલિકાની ટીમો દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. જોકે, કેટલાક કિસ્સામાં માત્ર નોટિસ ફટકારીને સંતોષ માનવામાં આવતો હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે. નોટિસ આપ્યા બાદ ખરેખર સંસ્થાઓ નિયમોનું પાલન કરે છે કે નહીં, તેનું ફોલોઅપ ચેકિંગ કેટલું થાય છે તે પણ મહત્વનો મુદ્દો છે.

