સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં એમ્બ્રોડરી કામદારોની હડતાલથી સ્થિતિ ગરમાઈ
રવિવારની રજા સહિતના મુદ્દે કામદારો અને યુનિટ સંચાલન વચ્ચે મતભેદ
લક્ષ્મીપતિ યુનિટ-2માં અંદાજે 200 કારીગરો હડતાલ પર ઉતર્યા
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં એમ્બ્રોડરી કામદારોની હડતાલને લઈને સ્થિતિ ગરમાઈ છે. લક્ષ્મીપતિ યુનિટ-2માં રવિવારની રજા સહિતના મુદ્દે કામદારો અને યુનિટ સંચાલન વચ્ચે મતભેદ સર્જાયા હતા. અંદાજે 200 જેટલા કારીગરો હડતાલ પર ઉતરી આવતા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં એમ્બ્રોડરી કામદારોની હડતાલ જોવા મળી હતી. પાંડેસરા જીઆઇડીસી સ્થિત લક્ષ્મીપતિ યુનિટ-2માં અંદાજે 200 જેટલા કારીગરોએ કામ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. રવિવારની રજા સહિતના કેટલાક મુદ્દાઓને લઈને કામદારો અને યુનિટ સંચાલન વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. આ મતભેદ બાદ મોટી સંખ્યામાં કામદારો હડતાલ પર ઉતરી આવ્યા હતાં. હડતાલને પગલે યુનિટ બહાર કામદારોની ભીડ એકઠી થતાં સ્થિતિને કાબૂમાં રાખવા પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી.

