Site icon hindtv.in

ચોટીલા તાલુકાના સેખલીયા ગામના ખેડૂતોની સમસ્યા

ચોટીલા તાલુકાના સેખલીયા ગામના ખેડૂતોની સમસ્યા
Spread the love

ચોટીલા તાલુકાના સેખલીયા ગામના ખેડૂતોની સમસ્યા
વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે સ્થળ મુલાકાત

ચોટીલા તાલુકાના સેખલીયા ગામના ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણાનાઓએ સ્થળ મુલાકાત લીધી

ચોટીલા તાલુકાના છેક છેવાડે તથા રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલા સેખલીયા ગામ ખાતે વર્ષોથી ખેડૂતો દ્વારા ગામના તળાવના વેસ્ટ વીઅર (Waste Weir) ની ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. તળાવના વેસ્ટ વીઅરને અંદાજે ૨ મીટર ઊંચો કરવામાં આવે તો તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા એચ. ટી. મકવાણા દ્વારા સેખલીયા ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ પર તળાવની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી અને તેમની રજૂઆતો સાંભળવામાં આવી. સ્થળ નિરીક્ષણ દરમિયાન જ પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (DE) સાથે ટેલિફોનિક ચર્ચા કરી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે એક મહિનાની અંદર વેસ્ટ વીઅરને ૨ મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ કામગીરી પૂર્ણ થતાં તળાવમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ શક્ય બનશે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે તેમજ વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થાય અને ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે વહીવટી તંત્ર સતત પ્રતિબદ્ધ છે. ખેડૂતોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી વિભાગો સાથે સંકલન કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવવામાં આવશે

Exit mobile version