માંડવી : માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું
ઇફકો એન.પી.કે. રસાયણિક ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કર્યો
આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ એસ. ચૌધરીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે.આ આવેદનપત્રમાં ઇફકો એન.પી.કે. રસાયણિક ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ ચોમાસુ વાવેતર માટે અનુકૂળ રહ્યું નથી. આવા સમયે રાસાયણિક ખાતર એન.પી.કે.ની 50 કિલોની બેગદીઠ રૂ.130નો વધારો કરીને રૂ.1850 કરી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે ખરીફ પાકના વાવેતર સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને ગુજરાત સરકાર છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોની આવક બમણી કરવાનું અને “સમૃદ્ધ ખેડૂત – સમૃદ્ધ ગુજરાત”ના સૂત્રો પોકારી રહી છે. પરંતુ વાસ્તવિક હકીકતમાં આ બધી વાતો પોકળ સાબિત થઈ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે દિવસે કફોડી બનતી જાય છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા છ મહિનામાં રસાયણિક ખાતરના ભાવમાં રૂ.700નો વધારો થયો છે. તાજેતરમાં થયેલો રૂ.130 પ્રતિ બેગનો વધારો ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન છે. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા માંગણી કરવામાં આવી છે.
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાસાયણિક ખાતર ઉત્પાદક સંઘ, વિતરક અને કૃષિ સંકલન વિભાગોને તાકીદે આ બાબતે અંકુશ લાવવા વિનંતી કરી છે. સાથે સાથે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત દૂર કરી પૂરતો જથ્થો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવાની માંગણી પણ કરવામાં આવી છે. જેમાં માંગરોળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શામજીભાઈ ચૌધરી.. સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક.માંગરોળ તાલુકાના કોંગ્રેસના મહામંત્રી એડવોકેટદિલીપભાઈ પરમાર.. રૂપસિંગભાઇ ગામીત.. પ્રકાશભાઈ ગામીત.. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

