સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં પીઆઇ લાંચમાં ઝડપાયો
પીઆઈ પી.એચ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયા ટ્રેપમાં ફસાયા
3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ચકચાર
સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં એક સનસનાટીભર્યા કિસ્સામાં એન્ટી કરપ્શન બ્યુરોએ પીઆઈ પી.એચ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયાને 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. સુરત એસીબી પાસેથી મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલા કીમ-મુળદ રોડ પર આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં સુરતના એક એમ્બ્રોડરી વેપારી અને તેના મિત્રોને ત્રણ અજાણ્યા શખ્સોએ નકલી પોલીસ બનીને અટકાવ્યા હતા.
આ શખ્સોએ વેપારીને માર મારી અને ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી હતી, જો કે 13 લાખમાં પતાવટ થઈ હતી. આ મામલે કીમ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પર ગુજસીટોક જેવી કડક કલમો ન ઉમેરવા, અન્ય કલમો ઘટાડવા અને જામીન પ્રક્રિયામાં મદદ કરવાના બદલામાં કીમ પોલીસ મથકના પીઆઈ પી.એચ. જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયાએ આરોપીના ભાઈ પાસે 10 લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખમાં સોદો નક્કી થયો હતો.
લાંચની રકમ આપવા નહી માંગતા ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના પીઆઈ વી.ડી. ચૌધરી અને ટીમ દ્વારા કીમ પોલીસ મથક પરિસરમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ જાડેજા અને વકીલ ચિરાગ 3 લાખની રોકડ સ્વીકારતા આબાદ ઝડપાઈ ગયા હતાં. નકલી પોલીસના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવનાર પીઆઈ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસની છબી પર મોટા સવાલો ઊભા કર્યા છે.

