સુરત મનપાની છેલ્લી સામાન્ય સભામાં નામ બદલાયા
મુઘલસરાઈ હવે તાપી ભવન અને વિસ્તારનું નામ તાપીપુરા
વિપક્ષના નગરસેવકોએ પણ ઊભા રહી દરખાસ્તોને સમર્થન આપ્યું
સુરત મનપાની છેલ્લી સામાન્ય સભામાં મુઘલસરાઈ હવે તાપી ભવન અને વિસ્તારનું નામ તાપીપુરા શાસકોએ કર્યુ છે.
સુરત મહાનગર પાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં બે ઐતિહાસિક દરખાસ્તો રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી દક્ષેશ માવાણીએ મનપાના મુખ્યાલય મુઘલસરાઈનું નામ બદલવાની તેમજ આસપાસના મુઘલસરા વિસ્તારનું નામ બદલવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્ત મુજબ સુરત મહાનગર પાલિકાના મુખ્યાલય મુઘલસરાઈનું નામ હવે તાપી ભવન રાખવામાં આવશે, જ્યારે આસપાસનો મુઘલસરા વિસ્તાર તાપીપુરા તરીકે ઓળખાશે.આ બંને દરખાસ્તો રજૂ થતા જ સભાખંડમાં બેઠેલા તમામ નગરસેવકો ઊભા થઈ ગયા હતા અને બેન્ચ થપથપાવીને તેમજ સનાતન ધર્મની જય સહિતના નારા લગાવી આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
વિપક્ષના નગરસેવકોએ પણ ઊભા રહી આ દરખાસ્તોને સમર્થન આપતા બંને દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. દરખાસ્ત રજૂ કરતી વખતે દક્ષેશ માવાણીએ સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરી શહેરના ગૌરવ અને સમૃદ્ધ ઇતિહાસનો ચિતાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુઘલસરાઈનું નામ બદલવાની માંગ આજથી લગભગ સાત વર્ષ પહેલાં ભાજપના નગરસેવક વિજય ચોમાલે ઉઠાવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગ અંતે મનપાની છેલ્લી સામાન્ય સભામાં સ્વીકારાતા તેનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

