અમદાવાદ રિક્ષા ચાલકની હત્યાનો ઉકેલાયો ભેદ.
રિક્ષા ચાલકની હત્યા કરનાર 3 આરોપીઓ ઝડપાયા.
હોટેલ હિલોક નજીક મોતીલાલ ભાટીની કરાઈ હતી હત્યા.
અમદાવાદ શહેરના ચાંદખેડામાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. નજીવી બાબતમાં યુવકનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી હતી, જે બાદ બીજે દિવસે બીજો હત્યાનો બનાવ બન્યો છે.
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે હવે ફરી એકવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં જોઈએ તો, સંબંધ રાખવા માટે દબાણ કરનારા પાડોશીની ભત્રીજાએ મિત્ર સાથે મળીને હત્યા કરી નાખી હતી. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી મિત્રો પાડોશી રિક્ષા ચાલકને ત્રાગડ પાસે લઈ ગયા અને ત્યારબાદ ત્રણ લોકોએ ભેગા મળીને ઉપરાછાપરી છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. જો કે પોલીસને જાણ થતાં જ ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક છેલ્લા કેટલાક સમયથી તેના ઘરની નજીકમાં રહેતી મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો અને એકાદ મહિના પહેલા તેઓને બોલાચાલી બાદ ઝઘડો પણ થયો હતો. જેને લઈને મહિલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. મહિલાએ આ બાબતની જાણ તેના ભત્રીજા રમેશને કરી હતી અને મૃતકને સબક શીખવાડવા માટે કહ્યું હતું. જેથી રમેશે નોબલનગર ખાતે રહેતા તેના બે મિત્રો કિશન અને કમલેશને બોલાવ્યા હતાં. જ્યારે મોતીભાઇ 10 મી જુલાઈના દિવસે મોડી સાંજે ઇસ્કોન ચાર રસ્તા પર રિક્ષા લઈને ઉભા હતાં, ત્યારે આ બંને મિત્રો મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસીને ત્રાગડ અંડરપાસ પાસે પહોંચ્યા હતા. જ્યાં રમેશ અને તેના બે મિત્રોએ મળીને મોતીભાઇને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મોતીભાઇનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મહિલા, રમેશ અને કમલેશ સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

