વડોદરામાં ચોમાસાની કોઈપણ ચર્ચા વિના 24 મિનિટમાં સભા પૂર્ણ,
વિપક્ષે કહ્યું ગત વર્ષે આવેલું પૂર માનવસર્જિત
શહેરની બદતર હાલત છતાં સત્તાપક્ષ સભામાં ચર્ચા કરવાથી ભાગ્યું હોવાના આક્ષેપ
વડોદરામાં વિશ્વામિત્રીની કામગીરી અને માનવસર્જિત પૂર મુદ્દે ચાલુ થયેલી ચર્ચા આક્ષેપ-પ્રતિ આક્ષેપમાં પરિણમી હતી. જહા ભરવાડ અને સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સામ સામે આવી જતાં જહા ભરવાડે કટાક્ષ કરતાં કહ્યું કે, મ્યુ. કમિશનરનો ગુસ્સો અમારા પર ન કાઢશો. આ સાંભળી મ્યુનિ. કમિશનર સહિતના સભાસદોમાં હાસ્ય રેલાયું હતું.
ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂનની કામગીરી અને અનેકવિધ સમસ્યા સાથે રોડ-રસ્તાની બદતર સ્થિતિ પર ચર્ચાને બદલે સત્તાપક્ષ સભામાં ભાગ્યું હોવાના વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા હતા. 30 વર્ષથી શાસન કરતા ભાજપને કારણે જ પૂર આવ્યું હોવાનો આરોપ મૂકતા હોબાળો મચ્યો હતો. વિરોધ વચ્ચે મેયરે 24 મિનિટમાં સભા આટોપી લેતાં વિપક્ષે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે પૂર આવશે કે કેમ અને નદીનું કામ કેટલું થયું તેવા પ્રશ્ન મ્યુ. કમિશનરને પૂછ્યા હતા. મ્યુ. કમિશનરને બદલે પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે, પૂર આવશે કે કેમ તે ભગવાન જાણે. જ્યારે કેયુર રોકડિયાએ વાયનાડના ભૂસ્ખલન સાથે પૂરને સરખાવતાં જહા ભરવાડે વડોદરાની વાત કરવા કહ્યું હતું. તેમણે સત્તાપક્ષને કારણે પૂર આવ્યું છે અને માનવસર્જિત પૂર છે તેમ કહ્યું હતું. સ્થાયી ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રી માનવસર્જિત પૂરના પુરાવા માગતાં મામલો ઉગ્ર બન્યો હતો. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે, સરકારે નક્કી કરેલા રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં બદલાવ કરી શકાય કે કેમ તે અંગે મ્યુ. કમિશનરને પ્રશ્ન પૂછ્યો હતો. જોકે તેઓ બોલે તે પહેલાં નેતા મનોજ પટેલ અને કાઉન્સિલર અજીત દાધિચે ‘બદલાવ કરી શકાય’ તેવી ટિપ્પણી કરી હતી
પેટ્રોલ પંપ અને પેપર બ્લોક વિવાદમાં ભાજપના હોદ્દેદારોની સંડોવણી અંગે પાલિકા અને પોલીસ તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં ડે. મેયરનું નામ ઉછળતાં રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે. સભામાં વિપક્ષ પેવર બ્લોક સહિતના મુદ્દા ઉઠાવશે તેવો અંદાજ આવતાં ડે.મેયર સભામાં હાજર ન રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી