મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો
મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવની અસર હવે ભારતના ઈંધણ બજાર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી હતી.
મિડલ ઈસ્ટમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે, જેના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર અંદાજે ત્રણ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ખાસ અપીલ કરાઈ હતી કે પેટ્રોલ અને ડિઝલનો સંયમપુર્વક ઉપયોગ કરવામાં આવે જો કે ત્યાર બાદ પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. અને મધરાત્રે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકી દેતા સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ પર વહેલી સવારથી વાહનચા લકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભાવમાં વધુ વધારો થવાની આશંકાએ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે.
ભાવવધારાની સીધી અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. દેશભરમાં ઈંધણ બચતને લઈને જાગૃતિ વધારવા અપીલ કરવામાં આવી રહી છે. બિનજરૂરી વાહનવ્યવહાર ટાળવા અને સંયમપૂર્વક ઈંધણ વાપરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે કે જો મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ગંભીર બનશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, જેની સીધી અસર રોજિંદા જીવન અને મોંઘવારી પર પડશે.

